પ્રશ્ન : મારાં હમણાં જ લગ્ન થયાં છે. આ મારાં બીજાં લગ્ન છે અને મારી પત્ની જે ૨૭ વર્ષની છે એનાં પહેલાં લગ્ન છે. જ્યારે મેં તેની સાથે પહેલી વાર સેક્સ કર્યું ત્યારે મને આઘાત લાગ્યો કે એને જરા પણ બ્લીડિંગ થયું નહીં. તેના કહેવા પ્રમાણે તેણે પહેલાં ક્યારેય સેક્સ કર્યું નથી. તો પછી પહેલી વખત સેક્સ કરતી વખતે એને બ્લીડિંગ ન થાય એવું કેવી રીતે બને? મારી પહેલી પત્નીને સુહાગરાત પર બ્લીડિંગ થયું હતું. હું ગૂંચવાયેલો છું. શું મારી બીજી પત્ની ખરેખર વર્જિન છે? મહેરબાની કરીને મદદ કરો.
જવાબ : કોઈ પણ સ્ત્રી વર્જિન હોય તેવા સમયે પણ ઘણી વાર પહેલી વાર સેક્સ કરતાં બ્લીડિંગ થાય એવું જરૂરી નથી. વજાઇના (યોનિ)માં એક પ્રકારનું પટલ સ્તર હોય છે, જેને હાયમેન કહેવામાં આવે છે, જે ક્યારેક કસરત કે રમતગમત દરમિયાન તૂટી જવાની શક્યતા રહેલી છે. ઘણી વાર હસ્તમૈથુન કે ટેમ્પોન્સના ઉપયોગથી પણ તે તૂટી જતું હોય છે. ક્યારેક તે જન્મસમયથી જ હોતું નથી તો ક્યારેક વજાઇનાની દીવાલ પર કુદરતી રીતે ચોંટી ગયું હોય છે. જો એ તૂટ્યા વગરનું હોય તો સંભોગ વખતે તૂટીને થોડો રક્તસ્રાવ થાય છે, જો એવું ના થાય તો એનો અર્થ એ નથી કે છોકરી કુંવારી નથી કે એનું કૌમાર્ય છીનવાઈ ગયું છે.
તમારી પહેલી પત્નીના કિસ્સામાં કદાચ હાયમેનની પરત પહેલાં તૂટી નહીં હોય જે તમારી સાથે સંભોગ વખતે તૂટી. માત્ર હાયમેનના તૂટવા અને એના કારણે બ્લીડિંગ થવાથી જ કોઈ સ્ત્રી કુંવારી છે એવું માનવું ખોટું છે. તમારી બીજી પત્ની વર્જિન છે કે નહીં એ શોધવાનો કંઈ એવો ચોક્કસ રસ્તો નથી. હું માનું છું કે આ બધામાં સમય વેડફ્યા વગર તમારે તેના પ્રત્યે પ્રેમ દાખવવો જોઈએ, જેથી કરીને તમારા સંબધો વધુ મજબૂત બને. તમારે એવી પત્ની અંગે વિચારવું જોઈએ કે જે જવાબદાર, વિશ્વાસ, પ્રેમાળ, ધીરજવાળી અને સ્નેહ આપે એવી સ્ત્રી જીવનમાં છે એ અગત્યનું છે, નહીં કે વર્જિન છે.
તમારી પત્નીને પહેલાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જુઓ અને તેની સાથે તમારી ઇચ્છા, સપનાં અને મહેચ્છાઓ વિશે વાત કરો. આમ કરવાથી તમારા સંબંધનું ગુલિસ્તાન સદા માટે ખીલેલું અને પરિપક્વ રહેશે.
